7 Secrets of Shiva - શિવના 7 રહસ્યો પર ચિંતન
શિવરાત્રી ના દિવસે દેવદત્ત પટ્ટનાયકના "શિવના 7 રહસ્યો" પુસ્તકનું અન્વેષણ કરવાની તક મળી. શિવની પૌરાણિક કથાઓમાં વણાયેલા ગૂઢ જ્ઞાન ને સમજવા માટે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. શિવ એ માત્ર દેવો ના દેવ જ નથી, પરંતુ શિવ એ અનંત ચેતના છે, શિવ સમગ્ર બ્રહ્માંડની ઉર્જા અને જ્ઞાનનું સ્વરૂપ છે, જે સૃષ્ટિના આરંભ અને અંતનો મૂળ સિદ્ધાંત છે.
ધાર્મિક કે પૌરાણિક રીતે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને તાર્કિક સમજ ના દ્રષ્ટિકોણથી, શિવ એ એક બ્રહ્માંડિક સિદ્ધાંત છે. શિવ એ બ્રહ્માંડ નું પ્રતિનિધિત્વ અને સંતુલન કરનાર એક કાલ અતીત શક્તિ છે.
આ પુસ્તક સુંદર રીતે દર્શાવે છે કે શિવ કેવી રીતે અસ્તિત્વની અરાજકતા અને શાંતિ બંનેને મૂર્તિમંત કરે છે. વિજ્ઞાનને સમજનારા અને વૈજ્ઞાનિક અભિગમ ને ધાર્મિક શ્રદ્ધા કરતા વધારે મહત્વ આપતા લોકો એ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર કે જીવવિજ્ઞાન - શિવનું પ્રતીકવાદ બ્રહ્માંડના વિજ્ઞાન ના નિયમો કે કુદરતી ક્રમ સાથે સુસંગત છે. શિવ સર્જન છે, શિવ વિનાશ છે, અને તે પોતે જ એક શાશ્વત સત્ય છે – જે સમય, અવકાશ અને જ્ઞાનની સીમાઓથી પર છે.
અર્ધનારીશ્વર
પુસ્તકમાંથી મેળવેલી સૌથી રસપ્રદ અને વિચારશીલ વાત એક અર્ધનારીશ્વરની કલ્પના છે. આ વિભાવનામાં શિવ અને શક્તિનું સંયોજન દેખાય છે, જે પુરુષ અને સ્ત્રી તત્ત્વોના સમતુલ્ય સંતુલનનું પ્રતીક છે. આ માત્ર શારીરિક રૂપ નહીં, પણ ઉર્જાનું એકત્વ અને બ્રહ્માંડની સંગઠિત સ્થિતિનો સંકેત પણ છે. અર્ધનારીશ્વરનો સંદેશ એ છે કે પરિપૂર્ણતા માટે બંને તત્વો – પુરુષ અને સ્ત્રી, તર્ક અને ભાવના, શક્તિ અને શાંતિ – એકસાથે આવશ્યક છે.
નીલકંઠ
બીજો એક શક્તિશાળી વિચાર છે શિવ નું નીલકંઠ રૂપ, જે ઝેર શોષી લે છે છતાં પણ અપ્રભાવિત રહે છે. તે સ્થિતિસ્થાપકતાનો પાઠ છે - એ શીખવે છે કે આસપાસની નકારાત્મકતાને આપણી આંતરિક શાંતિને ખલેલ પહોંચાડ્યા વિના સ્વીકારવી. આ સંતુલન આપણી માનસિક શાંતિ જાળવી રાખવા, વિચારશુદ્ધિ અને પ્રગતિ માટે નવી રાહ સૂચવે છે. જ્યારે આપણે કંઈક પકડી રાખી શકીએ અને સાથે જ ફ્લેક્સિબલ પણ રહી શકીએ, ત્યારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ.
ઉદાહરણ તરીકે, કોઈ માલિક પોતાની કંપનીને આગળ ધપાવવા માટે મહેનત કરે છે, પરંતુ સમય સાથે, તે જવાબદારીઓ પોતાની ટીમને સોંપે છે. જો તે દરેક કામ પોતે જ કરવા માગે, તો કંપનીનો વિકાસ મર્યાદિત રહેશે. કંપની ની સફળતા ને આગળ વધારવા, ક્યાં સુધી જોડાયેલા રહેવું અને કેટલું ફ્લેક્સિબલ રેહવું – આ ક્ષમતા સફળ નેતૃત્વનું ઉદાહરણ છે. એક માતા તેના પુત્રને ખૂબ પ્રેમ કરે છે, પણ તે જાણે છે કે પુત્ર મોટો થાય ત્યારે તેને સ્વતંત્ર બનવા માટે અવકાશ આપવો જરૂરી છે. જો માતા અતિશય સુરક્ષિત રાખવાની કોશિશ કરે (ઓવરપ્રોટેકશન), તો પુત્રના વિકાસમાં અવરોધ આવશે. તે પ્રેમ રાખે છે, પણ નિયંત્રણ છોડી દે છે. ક્યાં સુધી અને કેટલું નિયંત્રણ રાખવું અને ક્યારે ફ્લેક્સિબલ રેહવું - આ ક્ષમતા માતૃત્વ નું ઉદાહરણ છે.
નટરાજ
આ પુસ્તક હિંદુ શાસ્ત્રોના વિશાળ સાગરમાંથી અનમોલ કથાઓ લાવે છે. લેખકે આ કથાઓની પ્રતીકાત્મક સમજ પણ ખૂબ સુંદર રીતે સમજાવી છે. છેલ્લાં અધ્યાયમાં "નટરાજ – શિવના નૃત્યનું રહસ્ય" વિશેની વાત છે. કથામાં, એક વખત કેટલાક મીમાંસા રિષિઓ વનમાં યજ્ઞ કરી રહ્યા હતા. એ સમયે શિવ ત્યાં નિર્વસ્ત્ર જઈ રહ્યા હતા, bliss (આનંદ) માં તલ્લીન. રિષિઓએ શિવને એક વિક્ષેપ રૂપે જોયા, કારણ કે તેઓ શિવના સ્થિર અને નિઃસંગ સ્વભાવને સમજી શક્યા નહીં. તેમની નિર્વસ્ત્રતા રિષિઓને અસ્વસ્થ કરી ગઈ. તેઓ ડરી ગયા કે તેમની સ્ત્રીઓ શિવ તરફ આકર્ષાઈ જશે.
ભયના લીધે, રિષિઓએ શિવને શત્રુ માની તેને યજ્ઞ શક્તિથી હુમલો કર્યો. પહેલા વાઘ, પછી સાપ, અને છેલ્લે એક ભયંકર દૈત્ય પ્રગટ કર્યો. શિવે નિર્ભયતાથી વાઘને પકડી તેની ચામડી પોતાના શરીર પર લપેટી. સાપને ગળામાં રાખી દીધું. અને દૈત્ય પર પગ મૂકીને તાંડવ નૃત્ય શરૂ કર્યું.
પ્રથમ, રિષિઓ ગભરાઈ ગયા. પરંતુ, જેમ જેમ શિવના પગલાં પડતાં ગયાં, તેમ તેમ ભય આશ્ચર્યમાં બદલાઈ ગયો. શિવની હાવભાવ, હાથના મુદ્રા, ભંગિમાઓ અને ભાવનાઓ – બધું જ એક દૈવી સન્મોહ સર્જી રહ્યું હતું. બ્રહ્માંડ માં તારા અને ગ્રહો થંભી ગયા. પાતાળના દૈત્ય અને સાપ પણ અવાક થઈ ગયા. આ કોઈ સાધારણ નૃત્ય નહોતું. આ તો તાંડવ હતું !
નાટ્ય શાસ્ત્રનો જન્મ:
શિવના નૃત્યની પ્રભાવશીલતા જોઈ મહર્ષિ ભરત એ દરેક હાવભાવ, અંગિક (શરીરના હલન-ચાલન), અને ભાવ-રસને નોંધ્યું. અને આમાંથી "નાટ્ય શાસ્ત્ર" નો ઉદ્ભવ થયો – જે પરફોર્મિંગ આર્ટસનું સૌથી જૂનું ગ્રંથ છે.
આ કથામાં શિવ માત્ર વિનાશક નથી, પણ સિદ્ધાંત છે – જીવનનું ચક્ર. મીમાંસા રિષિઓ જે સમજી ના શક્યા, તે શિવના એક હાવભાવમાં સમાઈ ગયું. શિવનો અભય હસ્ત કહે છે – "ડરશો નહીં", અને તેમનું તાંડવ દર્શાવે છે કે વિનાશ અને સર્જન એકસાથે જ ચાલે છે.
શિવ અને સ્મશાન: અંતમાંથી નવી શરૂઆતનો સંદેશ
સ્મશાન અધિપતિ તરીકે શિવની ઉપસ્થિતિ પહેલા તો અસ્વસ્થ લાગશે, કારણ કે સ્મશાન મૃત્યુનું પ્રતીક છે. પરંતુ, શિવ અહીં જીવનની અસ્થાયિતાને સ્વીકારવાની વાત કરે છે. તે કોઈ ભયજનક સંકેત નથી, પણ મુક્તિનો માર્ગ દર્શાવે છે. શિવ શીખવે છે કે જીવનના તાત્કાલિક સ્વરૂપને સમજીને, સંપૂર્ણ રીતે જીવવું જોઈએ – કારણ કે અહીં કંઈ પણ સદંતર ટકતું નથી.
પાનખર આવે ત્યારે વૃક્ષો એમના પાન ગુમાવે છે, પરંતુ તેઓ એ વિચાર માં અટવાઈ જતા નથી કે એમના બધા પાન ખરી જશે. કુદરત ના પ્રાકૃત્રિક ક્રમ ને સ્વીકારે છે અને વસંત આવતા નવી કૂંપળો ફૂટે છે.
શિવ શીખવે છે કે દરેક અંત એક નવી શરૂઆતની તક લાવે છે. શિવના શ્મશાન સંકેત પ્રમાણે, જૂની વસ્તુઓને છોડીને નવી તરફ આગળ વધવું જરૂરી છે. શિવ શીખવે છે કે "અંત એ આખરી બિંદુ નથી, પણ નવી શરૂઆતનો ઈશારો છે." દરેક પરિબળ બદલાય છે, અને તેને સ્વીકારી, જીવનમાં નિર્ભયી બની જીવવું એ સાચું શિવતત્ત્વ છે.
ભલે કોઈ ભક્ત હોય કે માત્ર સત્યનો શોધક, જો આપણે શિવને બ્રહ્માંડના સંતુલન અને કુદરતી નિયમોના દ્રષ્ટિકોણથી જોઈએ, તો શિવના એક ઊંડા અર્થનો અભાસ થાય. શિવ માત્ર ધાર્મિક વિધિઓ માટે નથી, પરંતુ મનની શાંતિ, જીવન ચક્રના સ્વીકાર અને ધીરજની શક્તિ માટે છે.
"શિવના 7 રહસ્યો" વાંચીને મારી સમજ વધુ ઊંડી બની છે—ફક્ત શિવ વિશે નહીં, પણ સમગ્ર જીવન વિશે. આ એક એવી યાત્રા છે, જે પૌરાણિક વાતો ને ફિલસૂફી સાથે જોડે છે, જ્યાં જવાબો મળતા નથી, પરંતુ નવા પ્રશ્નો ઉદ્ભવે છે. અને કદાચ, સાચી સમજણ એ જ છે—પ્રશ્નો પૂછવા અને શોધયાત્રા ચાલુ રાખવી!
હર હર મહાદેવ
ગજેન્દ્રસિંહ ચાંચુ
ગાંધીનગર
Comments
Post a Comment